રચયિતા: આચાર્ય શ્રી રત્નાકરસૂરિ
મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ!
ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના,
ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા (૧)
ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણાતણા,
વળી વૈદ્ય હે ! દુર્વાર આ સંસારના દુઃખો તણા.
વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું;
જાણો છતાં પણ કહીં અને, આ હ્રદય હું ખાલી કરું (૨)
શું બાળકો માં બાપ પાસે બાળક્રીડા નવ કરે?
ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી. (૩)
મેં દાન તો દિધું નહીં ને, શીયળ પણ પાળ્યું નહિં
તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ
એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ ! નવ કર્યું
મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું (૪)
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને
ગળ્યો માનરુપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયાજાળમાં મોહન ! મહા મુંઝાય છે;
ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે (૫)
મેં પરભાવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ
તેથી કરી સંસારમાં સુખ, અલ્પ પણ પામ્યો નહિ
જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા
આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા (૬)
અમૃત ઝરે તુજ મુખરુપી, ચંદ્રથી તો પણ પ્રભુ
ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ
પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે
મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે (૭)
ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના
જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં
તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું
કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું (૮)
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યનાં રંગો ધર્યાં
ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા
વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું
સાધુ થયો હું બહારથી દાંભિક અંદરથી રહું (૯)
મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને
ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપેટાઈને
વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું
હે નાથ ! મારું શું થશે ચાલાક થઇ ચૂક્યો ઘણું (૧૦)
કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી
એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી
તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને
જાણો સહું તેથી કહું કર માફ મારા વાંકને (૧૧)
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને
કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને
કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા
મતિ ભ્રમથકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા (૧૨)
આવેલ દૃષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને
મેં મુઢધીએ હ્રદયમાં ધ્યાયા મદનના ચાપને
નેત્રબાણો ને પયોધર નાભિ ને સુંદર કટી
શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ (૧૩)
મૃગનયન સમ નારીતણા મુખચંદ્ર નીરખવાવતી
મુજમન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગૂઢો અતિ
તે શ્રુતરુપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી (૧૪)
સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી
ઉત્તમ વિલાસ કલાતણી દેદીપ્યમાન પ્રભા નથી
પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું
ચોપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરું (૧૫)
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે
આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે
ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું
બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું (૧૬)
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી
મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી
સર્વજ્ઞ સમ જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે !
દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે (૧૭)
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી
ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ
પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું
ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું (૧૮)
હું કામધેનું કલ્પતરું ચિંતામણીના પ્યારમાં
ખોટા છતાં ઞંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં
જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહિ
મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ ! કર કરુણા કંઈ (૧૯)
મેં ભોગ સાર ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ
આગમન ઈચ્છ્યું મેં ધનતણું પણ મૃત્યુને પ્રીછ્યું નહિ
મેં ચિંતવ્યું નહીં નરક કારાગૃહ સમી છે નારીઓ
મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો (૨૦)
હું શુદ્ધ આચારો વડે સાધુ હ્રદયમાં નવ રહ્યો
કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો
વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઇ કાર્યો નવ કર્યા
ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા (૨૧)
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને
દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને
તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી
તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાય કેમ કરી (૨૨)
મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી
તો આવતા ભવમાં કહો ક્યાંથી થસે હે નાથજી !
ભૂત ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો
સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો (૨૩)
અથવા નકામું આપ પાસે નાથ શું બકવુ ઘણું
હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતા તણું
જાણો સ્વરુપ ત્રણ લોકનું તો મહારું શું માત્ર આ
જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં (૨૪)
તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ
મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ
મુક્તિ મંગળ સ્થાન તો ય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી
આપો સમ્યગરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી (૨૫)
मंदिर छो, मुक्ति तणा, मांगल्य क्रीडाना प्रभु!
ने ईद्र नर ने देवता, सेवा करे तारी विभु!
सर्वज्ञ छो स्वामी वळी, शिरदार अतिशय सर्वना,
घणुं जीव तुं, घणुं जीव तुं, भंडार ज्ञान कळा तणा (१)
त्रण जगतना आधार ने, अवतार हे करुणातणा,
वळी वैद्य हे ! दुर्वार आ संसारना दुःखो तणा.
वितराग वल्लभ विश्वना तुज पास अरजी उच्चरुं;
जाणो छतां पण कहीं अने, आ ह्रदय हुं खाली करुं (२)
शुं बाळको मां बाप पासे बाळक्रीडा नव करे?
ने मुखमांथी जेम आवे, तेम शुं नव उच्चरे?
तेमज तमारी पास तारक, आज भोळा भावथी,
जेवुं बन्युं तेवुं कहुं, तेमां कशुं खोटुं नथी. (३)
में दान तो दिधुं नहीं ने, शीयळ पण पाळ्युं नहिं
तपथी दमी काया नहि, शुभभाव पण भाव्यो नहि
ए चार भेदे धर्ममांथी कांई पण प्रभु ! नव कर्युं
मारुं भ्रमण भवसागरे निष्फळ गयुं, निष्फळ गयुं (४)
हुं क्रोध अग्निथी बळ्यो, वळी लोभ सर्प डस्यो मने
गळ्यो मानरुपी अजगरे, हुं केम करी ध्यावु तने?
मन मारुं मायाजाळमां मोहन ! महा मुंझाय छे;
चडी चार चोरो हाथमां, चेतन घणो चगदाय छे (५)
में परभावे के आ भवे पण हित कांई कर्युं नहि
तेथी करी संसारमां सुख, अल्प पण पाम्यो नहि
जन्मो अमारा जिनजी ! भव पूर्ण करवाने थया
आवेल बाजी हाथमां अज्ञानथी हारी गया (६)
अमृत झरे तुज मुखरुपी, चंद्रथी तो पण प्रभु
भींजाय नहि मुज मन अरेरे ! शुं करुं हुं तो विभु
पथ्थर थकी पण कठण मारुं मन खरे क्यांथी द्रवे
मरकट समा आ मन थकी, हुं तो प्रभु हार्यो हवे (७)
भमता महा भवसागरे पाम्यो पसाये आपना
जे ज्ञान दर्शन चरणरूपी रत्नत्रय दुष्कर घणां
ते पण गया प्रमादना वशथी प्रभु कहुं छुं खरुं
कोनी कने किरतार आ पोकार हुं जईने करुं (८)
ठगवा विभु आ विश्वने वैराग्यनां रंगो धर्यां
ने धर्मना उपदेश रंजन लोकने करवा कर्या
विद्या भण्यो हुं वाद माटे केटली कथनी कहुं
साधु थयो हुं बहारथी दांभिक अंदरथी रहुं (९)
में मुखने मेलुं कर्युं दोषो पराया गाईने
ने नेत्रने निंदित कर्या परनारीमां लपेटाईने
वळी चित्तने दोषित कर्युं चिंती नठारुं परतणुं
हे नाथ ! मारुं शुं थशे चालाक थइ चूक्यो घणुं (१०)
करे काळजाने कतल पीडा कामनी बिहामणी
ए विषयमां बनी अंध हुं विडंबना पाम्यो घणी
ते पण प्रकाश्युं आज लावी लाज आप तणी कने
जाणो सहुं तेथी कहुं कर माफ मारा वांकने (११)
नवकार मंत्र विनाश कीधो, अन्य मंत्रो जाणीने
कुशास्त्रनां वाक्यो वडे, हणी आगमोनी वाणीने
कुदेवनी संगत थकी कर्मो नकामा आचर्या
मति भ्रमथकी रत्नो गुमावी काच कटका में ग्रह्या (१२)
आवेल दृष्टि मार्गमां मूकी महावीर आपने
में मुढधीए ह्रदयमां ध्याया मदनना चापने
नेत्रबाणो ने पयोधर नाभि ने सुंदर कटी
शणगार सुंदरीओ तणा छटकेल थई जोया अति (१३)
मृगनयन सम नारीतणा मुखचंद्र नीरखवावती
मुजमन विशे जे रंग लाग्यो अल्प पण गूढो अति
ते श्रुतरुप समुद्रमां धोया छतां जातो नथी
तेनुं कहो कारण तमे बचुं केम हुं आ पापथी (१४)
सुंदर नथी आ शरीर के समुदाय गुणतणो नथी
उत्तम विलास कलातणी देदीप्यमान प्रभा नथी
प्रभुता नथी तो पण प्रभु अभिमानथी अक्कड फरुं
चोपाट चार गतितणी संसारमां खेल्या करुं (१५)
आयुष्य घटतुं जाय तो पण पापबुद्धि नव घटे
आशा जीवननी जाय पण विषयाभिलाषा नव मटे
औषध विषे करुं यत्न पण हुं धर्मने तो नव गणुं
बनी मोहमां मस्तान हुं पाया विनानां घर चणुं (१६)
आत्मा नथी परभव नथी वळी पुण्य पाप कशुं नथी
मिथ्यात्वीनी कटु वाणी में धरी कान पीधी स्वादथी
सर्वज्ञ सम ज्ञाने करी प्रभु आपश्री तो पण अरे !
दीवो लई कूवे पड्यो धिक्कार छे मुजने खरे (१७)
में चित्तथी नहि देवनी के पात्रनी पूजा चही
ने श्रावको के साधुओनो धर्म पण पाळ्यो नहि
पाम्यो प्रभु नरभव छतां रणमां रड्या जेवुं थयुं
धोबी तणा कुत्ता समुं मम जीवन सहु एळे गयुं (१८)
हुं कामधेनुं कल्पतरुं चिंतामणीना प्यारमां
खोटा छतां ञंख्यो घणुं बनी लुब्ध आ संसारमां
जे प्रगट सुख देनार तारो धर्म में सेव्यो नहि
मुज मूर्ख भावोने निहाळी नाथ ! कर करुणा कंई (१९)
में भोग सार चिंतव्या ते रोग सम चिंत्या नहि
आगमन ईच्छ्युं में धनतणुं पण मृत्युने प्रीछ्युं नहि
में चिंतव्युं नहीं नरक कारागृह समी छे नारीओ
मधुबिंदुनी आशा महीं भयमात्र हुं भूली गयो (२०)
हुं शुद्ध आचारो वडे साधु ह्रदयमां नव रह्यो
करी काम पर उपकारनां यश पण उपार्जन नव कर्यो
वळी तीर्थना उद्धार आदि कोइ कार्यो नव कर्या
फोगट अरे आ लक्ष चोराशी तणा फेरा फर्या (२१)
गुरुवाणीमां वैराग्य केरो रंग लाग्यो नहि अने
दुर्जनतणा वाक्यो महीं शांति मळे क्यांथी मने
तरुं केम हुं संसार आ अध्यात्म तो छे नहि जरी
तूटेल तळियानो घडो जळथी भराय केम करी (२२)
में परभवे नथी पुण्य कीधुं ने नथी करतो हजी
तो आवता भवमां कहो क्यांथी थसे हे नाथजी !
भूत भाविने सांप्रत त्रणे भव नाथ हुं हारी गयो
स्वामी ! त्रिशंकु जेम हुं आकाशमां लटकी रह्यो (२३)
अथवा नकामुं आप पासे नाथ शुं बकवु घणुं
हे देवताना पूज्य ! आ चारित्र मुज पोता तणुं
जाणो स्वरुप त्रण लोकनुं तो महारुं शुं मात्र आ
ज्यां क्रोडनो हिसाब नहीं त्यां पाईनी तो वात क्यां (२४)
ताराथी न समर्थ अन्य दीननो उद्धारनारो प्रभु
माराथी नहि अन्य पात्र जगमां जोता जडे हे विभु
मुक्ति मंगळ स्थान तो य मुजने ईच्छा न लक्ष्मी तणी
आपो सम्यगरत्न श्याम जीवने तो तृप्ति थाये घणी (२५)