ચંપાનગરના રાજા સીગ્રંથ અને રાણી કમલપ્રભાને શ્રીપાલ નામે એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. સીગ્રંથનો ભાઈ અજિતસેન મહત્ત્વાકાંક્ષી હતો, તેથી આ તકનો લાભ લઈ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્યપદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો.
કમલપ્રભાને અજિતસેનના ખરાબ ઇરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઊંચકી દોડતી કેટલે દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા જાણીને એક કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું.
શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢીયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. શ્રીપાલ યુવાન થયો એટલે તેને પોતાનો નેતા બનાવ્યો. શ્રીપાલને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો હતો. ફરતાં ફરતાં એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જયનીમાં આવી ચઢ્યા.
ઉજ્જયનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રુપસુંદરી નામે રાણી હતી તથા સુંદરી અને મયણા સુંદરી નામે બે દીકરીઓ હતી. તે બંને ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી.
બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ, એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્નરૂપે રાજાએ પૂછ્યું કે આ બધી સાહ્યબી તથા સગવડો કોના પ્રતાપે મલી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં સુંદરીને પૂછ્યું હતું તેમ જ કોના પ્રતાપથી આ બધું મળ્યું છે એવા પ્રશ્નના જવાબમાં મયણાએ પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે તેમ કહ્યું. તમે કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.
મયણા સુંદરીએ જે કંઈ મેળવ્યું છે તે તેના કર્મના ફળ સ્વરૂપે છે. કોક જન્મના સારા કર્મોનું પરિણામ છે. રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ મયણાએ તો નમ્રતાપૂર્વક પોતાના કર્મોનું જ ફળ છે તેમ જણાવ્યું. રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે છે તેમાં કોઈ મેખ મારી ન શકે.
રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયા. કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપો ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉમરરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચાર્યા વગર જ મયણાને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધન સામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખૂબ દુઃખી થયા. બીજી બાજુ સુંદરીને શંખપુરીના રાજકુંવર અરિદમન સાથે પરણાવી.
મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉમરના રાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો. તે દેરાસર ગઈ જ્યાં સાધુના મુખેથી પવિત્ર મંત્રો સાંભળ્યા. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનિચંદ્રને વંદન કરવા ગયા અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડાચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે.
ઓળી દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ (પંચપરમેષ્ઠી) જ્ઞાન, દર્શન (શ્રદ્ધા) ચારિત્ર (ચાલચલગત) અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે એક જ વાર મરી-મસાલા, ઘી-દૂધ, તેલ મીઠું વગેરેનો ત્યાગ કરી લુખ્ખું જમવાનું હોય. વર્ષમાં બે વાર ઓળી આવે.
મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું. શ્રીપાલની ચામડી પરથી ડાઘા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતાં પહેલાં જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતા રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી.
એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને મળ્યા. મયણાને કોઈ કોઢિયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. મયણાએ વિગતવાર બધી વાત કરી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે જઈને રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુઃખી કરી. હવે તેમણે દીકરી-જમાઈને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાંને જાણ થઈ. નસીબ જોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને રહેવા લાગ્યા.
એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવવું શ્રીપાલને ગમ્યું નહીં. હું મારી જાતે મારી ઓળખ ઊભી કરું. સહુની પરવાનગી લઈ તે નીકળી પડ્યો.
ચારે બાજુ દૂરસુદૂર ફર્યો, ઘણાં સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાધના ભૂલ્યો ન હતો. એ સમયના રિવાજ મુજબ ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી. ઘણાં તેના વિચારોને અનુસર્યા – અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજૈનીની બહાર પડાવ નાંખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચઢી આવ્યો છે. તે તેને મળવા એના તંબુમાં ગયા. અને પોતાના જમાઈને જોઈને તે ખુશ થઈ ગયા. કોઈ મહાન હીરોની અદાથી તે ગામમાં પ્રવેશ્યા. તેને જોઈને તેની માતા તથા મયણા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા.
શ્રીપાલે પોતાની અતિપ્રિય પત્ની મયણા સાથે લાંબો સમય વિતાવ્યો. હવે તેણે પોતાનું અસલ રાજ્ય ચંપાનગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એણે તેના કાકા અજિતસેનને રાજ્ય પાછું સોંપી દેવાનો સંદેશો મોકલ્યો. અજિતસેને રાજ્ય પાછું સોંપવાની ના પાડી. શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજિતસેનને બંદીવાન બનાવી ચંપાનગર પર વિજય મેળવ્યો. અજિતસેનને માફ કર્યો. અજિતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિશ્ચય કર્યો. ચંપાનગરનો રાજા બનીને શ્રીપાલે પોતાનો રાજવહીવટ સરસ રીતે ચલાવ્યો.
જૈન શાસન જયવન્તુ વર્તો!