શ્રી માતર તીર્થ સાચા સુમતિનાથ | Matar Jain Tirth Sacha Sumtinath

શ્રી માતર તીર્થ
સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાન

માતર ગામની મધ્યમાં મુખ્ય માર્ગ પર આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની શ્વેતવર્ણની ૭૬ સે.મી. ઊંચી પદ્માસનસ્થ પ્રતિમા બિરાજમાન છે. આ શ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિમાનો ઈતિહાસ રસપ્રદ છે.

ખેડા જિલ્લાની મહુધા ગામની પાસે આવેલા સિહુંજ ગામની જમીનમાંથી આ પ્રતિમા પ્રગટી હતી. એના ઉપર વિક્રમ સંવત ૧૫૨૩ , વૈશાખ સુદ ૭ રવિવારના દિવસે શ્રી લક્ષ્મીસાગરસૂરિન હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ પ્રતિમાને માતર લાવવામાં આવી. અહીં ભવ્ય મંદિર બંધાવીને વિક્રમ સંવત ૧૮૫૪ જેઠ સુદ ૩, ગુરુવારના દિવસે ફરીથી તેની પ્રતિષ્ઠા થઈ.

આ પ્રતિમાને રથમાં બેસાડીને સહુંજ ગામથી માતર લાવવામાં આવતી હતી ત્યારે વાત્રક અને શેઢી નદીના સંગમ પાસે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું. પણ રથ ચલાવનારને પાણીના બદલે રેતી દેખાતી હતી. અને તેની પાછળ ચાલ્યા આવતા ભક્તજનો નિર્વિઘ્ને નદી પાર કરી ગયા.

આથી જ સૌ ભક્તજનોએ કહ્યું આ તો ‘ આ સાચા દેવ છે.’ તે દિવસથી સાચાદેવ સુમતિનાથ તરીકે સર્વત્ર જાણીતા થયા.

અહીં અનેક ચમત્કારોની કથા મળે છે. વિક્રમ સંવત ૧૯૭૭ માં શાસન સમ્રાટ આચાર્ય શ્રી નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ હસ્તે બાવન જિનાલયનો પુનઃ જીણોદ્ધાર, પ્રતિષ્ઠા અને અંજનશલાકા થયા.

આમાં શ્રી જમનાભાઈ ભગુભાઈએ મોટો લાભ લીધો હતો. વિક્રમ સંવત ૨૦૦૭ ના વૈશાખ સુદ ૫ ના રોજ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિશ્વરજી મહારાજ સાહેબના હાથે આ મૂળનાયક મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થઈ. મૂળનાયકજીની સામે ગભારામાં પાંચમાં સુમતિનાથજીની પ્રતિમાજી છે.

આ મંદિરમાં બારમાં – તેરમાં સૈકાની એક દેવીની પ્રાચીન મૂર્તિ પણ મળે છે. અહીંયા મહાત્તરા સાધ્વીજી પદ્મશ્રીની અદ્ભૂત પ્રતિમા બિરાજમાન છે.