
સ્તુતિ
પ્રજાપાળ નૃપનો ભય હટાવવા જે પ્રભુ નિર્મિત થતા,
દેવી પ્રભાવે વેળુમાંથી વજ્રમય જે બની જતા,
માતા અંબિકા ચરણમાં રહી જે પ્રભુને સેવતા,
શ્રી ભટેવા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના
જાપ મંત્ર
ૐ હ્રીં અર્હં,શ્રી ભટેવા પાર્શ્વનાથાય નમઃ
૧૧ લાખ વર્ષ પૂર્વે થયેલ નમિનાથ પ્રભુના શાસનમાં ચંપાનગરીમાં પ્રજાપાલ રાજા અને બુદ્ધિસાગર પ્રધાન હતા. એકદા બે જાતિવંત ધોડા ખરીધા,અવળી ચાલના ઘોડા તેમને ગાઢ જંગલમાં લાવી મૂક્યાં.ત્યાં રાત્રે નજીકમાં શ્રી નરધોષ મુનીનો કેવળજ્ઞાન મહોત્સવ દેવોએ કર્યો. દેશનામાં બન્નેએ પ્રભુપૂજા વિના અન્ન-જલ ન લેવાનો અભિગ્રહ કેવલી પ્રભુ પાસે સ્વીકાર્યો.
ફરતાં-ફરતાં ગાઢ જંગલમાં ભૂલા પડ્યા ત્યારે મંત્રીએ ખાનગીમાં શુદ્ધ વેલુ રેતી(માટી)લાવી તેમાં થી શ્રી પાર્શ્વપ્રભુની સુંદર મૂર્તિ બનાવી જમીનમાં છુપાવી,સ્વપ્ન સંકેતના બહાને રાજાને તે બતાવી. હવે માટીના પ્રભુની જળપૂજા કેમ કરવી? ત્યાં રાજાની ભક્તિ-પ્રભાવે પદ્માદેવી પ્રસન્ન થઈ કહ્યું.
હવે આ મૂર્તિ ભક્તિ-પ્રભાવે વજ્રમય બની છે. આ પ્રતિમા દ્વારા ભય ટળ્યો ને અભિગ્રહ પૂર્ણ થયો. તેથી પ્રભુનું નામ ભટેવા (ભય ટાળનારા) પડ્યું. નગર વસાવી, તેમાં જિનાલય બંધાવીને ૧૦૦૦૦ વર્ષના આયુ સુધી ભક્તિ કરી.
ત્યાં બીજા ૩૦૦૦૦ વર્ષ ભટેવા પાર્શ્વપ્રભુના વિવિધ પરચાઓ અનુભવ્યા. ત્યારબાદ કુંતલપુર પાટણમાં ભૂધર રાજાનો પુત્ર ગુણસુંદર જન્મથી આંધળો.મૂંગો અને દાહના રોગથી પીડાતો હતો.રોગશમનના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યાં ધર્મધોષસૂરિ મ.સા.એ ભટેવા પાર્શ્વ પ્રભુના ન્હવણ જળનો ઉપાય બતાવ્યો.
રાજા પરિવાર સાથે ભટેવા પધારી પૂજા-સ્નાત્ર કરી ન્હવણ રાજકુમારના માથે છાંટ્યું ને સર્વ રોગો દૂર થયા.તે ગુણસુંદર રાજા થઈ અંતે દેવ બન્યા. પ્રભુને દેવ વિમાનમાં પધરાવી ૫૨૪૮૦૦ વર્ષ સુધી ભટેવા પાર્શ્વપ્રભુને દેવોએ પૂજયા.
ત્યારબાદ ભટેવા નગરમાં સૂરચંદ શેઠને નાણા ભીડ રહેતી. સૂરસુંદર મુનીએ પદ્માદેવીની આરાધના બતાવી.
વિધિપૂર્વક પૌષધમાં આરાધતા પદ્માદેવી પ્રગટ થઈને ભટેવા પાર્શ્વપ્રભુનો અઠ્ઠમ કરવા જણાવ્યું.તે અઠ્ઠમ ના પ્રભાવે દેવ પ્રસન્ન થઇ, તેમને ભટેવા પાર્શ્વપ્રભુની પ્રતિમા આપી,તેના પ્રભાવે સૂરચંદ એશ્વર્યશાલી શેઠ બન્યા.ઈડરના રાજાની નજરમાં આ આવતા મૂર્તિ માંગી. શેઠ સમયસૂચકતા વાપરી રામા પટેલના ખેતરમાં ભંડારી દીધી. શેઠે તે પ્રભુના ધ્યાનમાં મરી યક્ષનિકાયમાં ઉત્પન્ન થયા.
યક્ષે ૨૦૦૦ વર્ષ ખેતરમાં રહેલ તે મૂર્તિ વિષે ચાણસ્મા માં રહેલ રવચંદ શેઠને સ્વપ્ન સંકેત કર્યો. તે મુજબ રવચંદ શેઠે વિ.સં.૧૩૩૫ વૈ.સુદ-૩ ના રોજ ચાણસ્મામાં પ્રતિષ્ઠિત કર્યા.વિ.સં.૧૮૭૨માં જીર્ણોદ્ધાર કરવા પુન:પ્રતિષ્ઠા થઈ.જિનાલયની પ્રાચીનતા ૭૪૦ વર્ષ, જીણોદ્વાર પછી પ્રાચીનતા ૨૦૦ વર્ષની છે.
તીર્થનું સરનામું
શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ,
મુ.પો.ચાણસ્મા, શ્રી ચાણસ્મા મહાજનની પેઢી,
મોટી વાણિયાવાડ,જિ.મહેસાણા ૩૮૪૨૨૦
ફોન:૦૨૭૩૪૨૨૩૨૯૬