જ્ઞાનાવરણીય કર્મ
આત્માના જ્ઞાનગુણ પર આવરણ કરે. જ્ઞાનગુણને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ છે.
તે આંખના પાટા સમાન છે. આંખમાં જોવાની શક્તિ હોવા છંતા પાટાનું આવરણ વસ્તુના બોધમાં બાધક બને છે.
તેમ આત્મામાં અનંત જ્ઞાનગુણ હોવા છંતા જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનમાં બાધક બને છે. જેમ જેમ આવરણ દુર થાય છે, તેમ તેમ જ્ઞાનગુણ પ્રગટ થાય છે
દર્શનાવરણીય કર્મ
આત્માના દર્શનગુણ ઉપર આવરણ કરે, દર્શનગુણને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ છે.
તે રાજાના દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શનમાં બાધક બને છે તેમ દર્શનાવરણીય કર્મ પદાર્થના દર્શનમાં કે સામાન્યબોધમાં બાધક બને છ.
વેદનીય કર્મ
ઇન્દ્રિજન્ય કે મનોજન્ય ભૌતિક સુખ દુઃખ નુ વેદન કરાવે તે વેદનીય કર્મ છે.
તે મધુલિપ્ત તલવારની ધાર સમાન છે. તેમાં મધને ચાટવા સમાન અનુકુળતાની અનુભુતિ કરાવનાર શાતાવેદનીય કર્મ છે અને મધ ચાટતાં તલવારની ધારથી જીભ કપાય તેની સમાન પ્રતિકુળતાની અનુભૂતિ કરાવનાર અશાતાવેદનીય કર્મ છે.
મોહનીય કર્મ
જીવને મૂઢ બનાવી હિતાહિતનો વિવેક ન થવા દે, તે મોહનીય કર્મ છે. તે મદિરાપાન સમાન છે. મદિરાના નશામાં વ્યક્તિ ભાન ભુલી જાય છે.
તેમ મોહનીય કર્મ જીવને હિતાહિતના વિવેકમાં ભાન ભુલાવે છે.
આયુષ્ય કર્મ
જીવને નિશ્ર્ચિત કાલ સુધી એક ભવમાં જકડી રાખે તે આયુષ્ય કર્મ છે.
તે બેડી સમાન છે. જેમ બેડીમાં બંધાયેલો ગુનેગાર પોતાના દંડની સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં છુટી શકતો નથુ, તેમ આયુષ્યકર્મથી બંધાયેલો જીવ પોતાનુ આયુષ્ય પૂર્ણ થયા પહેલા છુટી શકતો નથી.
નામ કર્મ
જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિ પ્રાપ્ત કરાવે. ‘આ નારકી છે.’
‘આ દેવ છે. ‘ આ પ્રમાણે ચોક્કસ નામ ધારણ કરાવે,તે નામ કર્મ છે.
તે ચિત્રકાર સમાન છે. ચિત્રકાર વિવિધ રંગોથી વિવિધ ચિત્રો તૈયાર કરે છે. તેમ નામ કર્મના ઉદયથી જીવ વિવિધ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે.
ગોત્ર કર્મ
જીવને ઉંચ કે નીચ ગોત્રમાં જન્મ ધારણ કરાવી ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવે તે ગોત્ર કર્મ છે. તે કુંભારના ચાકડા સમાન છે. જેમ કુંભાર એકજ ચાકડા પર અનેક પ્રકારના ઘાટ બનાવે છે.
કેટલાક ધાટ અક્ષત કંકુ વગેરે શ્રેષ્ઠ સામગ્રી ભરાઈને પૂજનીય બને છે અને કેટલાક ધાટ મદિરા વગેરે નિમ્ન સામગ્રી ભરાઈને નિંદનીય બને છે. તેમ ગોત્ર કર્મ જીવને જાતિ, કુળ, બળ આદિની ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવીને જીવને પૂજનીય કે નિંદનીય બનાવે છે.
અંતરાય કર્મ
જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીયૅ-પરાકમ ફોરવવામા બાધક બને તે અંતરાય કર્મ છે.
તે રાજાના ભંડારી સમાન છે જેમ રાજા કોઈ યાચકને દાન દેવાની ઈચ્છા કરે, પરંતુ ભંડારી તેમાં વિઘ્ન કરે તો રાજાની ઈચ્છા સફળ થતી નથી તેમ અંતરાય કર્મ દાન આદિ પરિમાણોમાં વિઘ્ન કરે છે.
આ રીતે કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેનિ પેટાભેદ ૧૪૮ કે ૧૫૮ થાય છે.
શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર પદ ૨૩ કર્મ ગ્રંથ – ૧
