કાચાં પાણીને ઉકાળવાથી તેમાં રહેલાં જીવો બળીને મરી જાય છે, તો ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?
વિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે, પાણીના એક ટીપામાં 36450 હાલતા ચાલતા જીવો છે.
આને જૈન ધર્મની પરિભાષામાં ત્રસ જીવો કહેવામાં આવે છે.
આ ત્રસ જીવો બહારથી આવ્યા છે. આ ઉપરાંત પણ અનેક જીવો જે અતિ સુક્ષ્મ છે. આપણે કલ્પના પણ ના કરી શકીએ કે અબજોના અબજોની સંખ્યામાં અસંખ્યાતા જીવો એક પાણીના ટીપામાં રહેલા છે. જે વીતરાગ પરમાત્માનું શાસન જીવ વિચારમાં જણાવે છે કે પાણીને 3 ઉકાળા પૂર્વક ગરમ કરવાથી જીવ રહિત બને છે.
કાચા પાણીમાં અસંખ્યતા જીવોના જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે છે.
પાણીને ઉકાળવાથી આ સાયકલ અટકી જાય છે.
ચોમાસામાં આ સમય 9 કલાક (3 પ્રહર), શિયાળામાં 12 કલાક અને ઉનાળામાં 15 કલાક જેટલો હોય છે.
ત્યારબાદ ઉકાળેલું પાણી પણ ફરીથી સચિત થઇ જાય છે અને જીવોની જન્મ મરણની ઘટમાળ ચાલુ થઇ જાય છે.
આમ ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.
ઉકાળેલું પાણી તદ્દન જીવરહિત હોય છે. તેથી ઉકાળેલું પાણી ત્રણ નવકાર ગણીને બેસીને વાપરવામાં જે મનના પરિણામો છે, તેમાં જબરદસ્ત ફરક અનુભવાય છે.
જૈન માત્ર જયણાનું પાલન કરવામાં કદી પાછો ન પડે. જીવ માત્રની જયણા તો જૈન ધર્મ માટે “મા" સમાન છે.
હા, એક વાત જરૂર છે કે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવો બળીને મરી જાય છે, પણ સંખ્યાની સરખામણી કરો તો સમજાશે કે પાણીને ઉકાળવાથી જેટલા જીવો મરે છે, તેના કરતા અસંખ્યાત ગણા વધારે જીવોની જન્મ મરણની સાયકલ ચાલવાની હતી તે અટકતા તે બધાને અભયદાન મળે છે.
જે જીવો મરે છે, તેમની પણ આલોચના આપણે પ્રતિક્રમણ કરતા કાઉસગ્ગ ધ્વારા લેવાની છે.
આમ અસંખ્ય જીવોને અભયદાન પ્રદાન કરનાર પરમાત્માનું શાસન ખરેખર ખુબ જ ઉપકારી છે.
