“આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું !"
પ્રાણાતિપાત – પ્રથમ પાપ
ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે,
તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે,
ક્યારે થશે કરુણા ઝરણથી, આદ્રૅ મારું આંગણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧)
મૃષાવાદ – બીજું પાપ
ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એવાં નડે,
વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું તરત કહેવું પડે,
છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણું,
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૨)
અદત્તાદાન – ત્રીજું પાપ
જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહિ,
વંદન હજારો વાર હો તે શ્રમણને પળ પળ મહીં,
હું તો અદત્તાદાન માટે ગામ પર ગામે ભમું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૩)
મૈથુન – ચોથું પાપ
જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના,
મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં,
લાગે હવે શ્રી સ્થૂલભદ્રતણું સ્મરણ સોહામણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૪)
પરિગ્રહ – પાંચમું પાપ
નવવિધ પરિગ્રહ જિંદગીભર હું જમા કરતો રહ્યો,
ધન લાલસામાં સર્વભક્ષીમરણને ભૂલી ગયો,
મૂર્છા રહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૫)
ક્રોધ –છઠું પાપ
અબજો વરસની સાધનાનો ક્ષય કરે જેક્ષણ મહીં,
જે નરકનો અનુભવ કરાવે સ્વ પરને અહીં ને અહીં,
તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું ક્યારે બનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૬)
માન- સાતમું પાપ
જિન ધર્મ તરૂના મૂલ જેવાવિનય ગુણને જે હણે,
જે ભલભલા ઊંચે ચઢેલાને ય તરણા સમ ગણે,
તે દુષ્ટમાન સુભટની સામે બળ બને મુજ વામણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૭)
માયા – આઠમું પાપ
જે મલ્લિનાથ જિનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને,
સંકલેશની જાલિમ અગનમાં જેધખાવે જગતને,
તેદંભ છોડી સરળતાને પામવા હું થનગનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૮)
લોભ – નવમું પાપ
જેનું મહાસામ્રાજ્ય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું,
જેને બની પરવશ જગત આ દુઃખમાં કણસી રહ્યું,
જે પાપનો છે બાપ તે ધન લોભ મેં પોષ્યો ઘણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૯)
રાગ – દસમું પાપ
તન ધન સ્વજન જીવન ઉપર,
મેં ખુબ રાખ્યો રાગ પણ,
તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ,
મારે હવે કરવું હુદયમાં સ્થાન શાસન રાગનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૦)
દ્વેષ – અગ્યારમું પાપ
મેં દ્વેષ રાખ્યો દુઃખ ઉપર તો, સુખ મને છોડી ગયું,
સુખ દુઃખ પર સમભાવ રાખ્યો,
તો હૃદયને સુખ થયું,
સમજાય છે મુજ ને હવે, છે દ્વેષ કારણ દુઃખ નું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૧)
કલહ – બારમું પાપ
જે સ્વજન તન ધન ઉપરની,
મમતા તજી સમતા ધરે,
બસ બારમો હોય ચંદ્રમા તેને કલહ સાથે ખરે,
જિન વચનથી મઘમઘ થજો,
મુજ આત્મના અણુ એ અણુ.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૨)
અભ્યાખ્યાન – તેરમું પાપ
જો પૂર્વભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને,
સીતા સમી ઉત્તમ સતીને રખડપટ્ટી થઇ વને,
ઈર્ષા તજું બનું વિશ્વવત્સલ , એક વાંછિત મનતણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૩)
પૈશુન્યનામ – ચૌદમું પાપ
મારી કરે કોઈ ચાડીચૂગલી એ મને ન ગમે જરી,
તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી
ભવો ભવ મને નડજો કદી ના પાપ આ પૈશૂન્યનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૪)
રતિ-અરતિ – પંદરમું પાપ
ક્ષણ માં રતિ, ક્ષણ માં અરતિ,
આ છે સ્વભાવ અનાદિનો,
દુઃખ માં રતિ સુખમાં અરતિ,
લાવી બનું સમતાભીનો,
સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૫)
પર પરિવાદ – સોળમું પાપ
અત્યંત નિન્દાપાત્ર જે લોકમાં ય ગણાય છે,
તે પાપ નિન્દા નામનું તજનાર બહુ વખણાય છે
તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૬)
માયા મૃષાવાદ – સત્તરમું પાપ
માયા મૃષાવાદે ભરેલી છે પ્રભુ ! મુજ જિંદગી,
તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી,
બનું સાચદિલ આ એક મારું સ્વપ્ન છેઆ જીવનનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૭)
મિથ્યાત્વ શલ્ય – અઢારમું પાપ
સહુ પાપનું સહુ કર્મનું સહુ દુઃખ નું જે મૂલ છે,
મિથ્યાત્વ ભૂંડું શૂલ છે, સમ્યકત્વ રૂડું ફૂલ છે,
નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું.
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૮)
ઉપસંહાર
જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે,
તે ધન્ય છે, જેઓ અઢાર પાપથી વિરમેલ છે,
ક્યાં પાપમય મુજ જિંદગી,
ક્યાં પાપશૂન્ય મુનિ જીવન !
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? (૧૯)
પરમ પૂજ્ય શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજસાહેબ ના “નજરાણું” પુસ્તક માં થી સાભાર


