સરસ્વતી માતા તુમ પાયે લાગું, દેવ ગુરુ તણી આજ્ઞા માંગું,
જિહ્વાઅગ્રે તું બેસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ.. (૧)
આઘો પાછો કોઇ અક્ષર થાવે, માફ કરજો જે દોષ કાંઈ નાવે,
તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ.. (૨)
કીયા સારા ને કીયા નિષેધ, તેનો ન જાણું ઉંડારથ ભેદ,
કવિજન આગલ મારી શી મતિ, દોષ ટાલજો માતા સરસ્વતી.. (૩)
નેમજી કેરો કહીશું સલોકો, એક ચિત્તેથી સાંભળજોં લોકો,
રાણી શિવાદેવી સમુદર રાજા, તસ કુલ આવ્યા કરવા દિવાજા.. (૪)
ગર્ભે કારતક વદ બારશે રહ્યા, નવ માસ ને આઠ દીન થયા,
પ્રભુજી જનમ્યાની તારીખ જાણું શ્રાવણ સુદી પાંચમ ચિત્રા વખાણું.. (૫)
જનમ્યા તણી તો નોબત વાગી, માતાપિતાને કીધાં વડભાગી,
તરિયાં તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર.. (૬)
અનુક્રમે પ્રભુજી મોટેરા થાય, ક્રીડા કરવાને નેમજી જાય,
સરખે સરખા છે સંગાતે છોરા, લટકે બહુમૂલા કલગી તોરા.. (૭)
રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં,
નેમ પુછે છે સાંભળો ભ્રાત, આ તે શું છે ? કહો તમે વાત.. (૮)
ત્યારે સરખા સહુ ત્યાં વાણ, સાંભણો નેમજી ચતુર સુજાણ,
તમારો ભાઈ કૃષ્ણજી કહીએ. તેને બાંધવા આયુધ જોઈએ.. (૯)
શંખ ચક્ર ને ગદા એ નામ, બીજો બાંધવા ઘાલે નહીં હામ,
એહવો બીજો કોઇ બલીયો જો થાય, આવા આયુધ તેને બંધાય.. (૧૦)
નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મહોટું કામ,
એવું કહીને શંખ જ લીધોં, પોતે વગાડી નાદજ કીધો.. (૧૧)
તે ટાણે થયો મહોટો ડમડોળ, સારના નીર ચઢ્યા કલ્લોલ,
પર્વતની ટુંકો પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી.. (૧૨)
ઝબકી નારીઓ નવ લાગી વાર, તુટ્યા નવસર મોતીના હાર,
ધરા ધ્રુજી ને મેઘ ગડગડીઓ, મહોંટી ઈમારતોં તૂટીને પડીયો.. (૧૩)
સહુનાં કાલજાં ફરવાને લાગ્યાં, સ્ત્રી પુરુષ જાય છે ભાગ્યાં,
કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થયોં આ તે ઉત્પાત.. (૧૪)
શંખ નાદ તો બીજે નવ થાય, એહવો બલિયો તે કોણ કહેવાય,
કાઢો ખબર આ તે શું થયું, ભાંગ્યું નગર કે કોઈ ઉગરીયું.. (૧૫)
તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તો તમારો નેમજી ભાઈ,
કૃષ્ણ પુછે છે નેમજી વાત, ભાઈ શો કીધો આ તેં ઉત્પાત.. (૧૬)
નેમજી કહે સાંભલો હરી, મેં તો અમસ્તી રમત કરી,
અતુલી બલ દીહઠું નાનુડે વેષે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે.. (૧૭)
ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી,
ત્યારે બલ એનું ઓછું જો થાય, તો તો આપણે અહીં રહેવાય.. (૧૮)
એવો વિચાર મનમાં આણી, તેડ્યા લક્ષ્મીજી આદે પટરાણી,
જલક્રીડા કરવા તમે સહુ જાઓ, નેમને તમે વિવાહ મનાવો.. (૧૯)
ચાલી પટરાણી સરવે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે,
જલક્રીડા કરતાં બોલ્યાં રુક્ષ્મણી, દેવરીયા પરણોં છબીલી રાણી.. (૨૦)
વાંઢા નવિ રહીયે દેવર નગીના, લાવો દેરાણી રંગના ભીના,
નારી વિના તો દુ:ખ છે ઘાટું કોણ રાખશે બાર ઉધાડું.. (૨૧)
પરણ્યા વિના તો કેમ જ ચાલે, કરી લટકોં ઘરમાં કોણ માલે
ચૂલો ફુંકશો પાણીને ગળશો, વેલાં મોડાં તો ભોજન કરશો.. (૨૨)
બારણે જાશોં અટકાવી તાળું, આવી અસુરા કરશો વાળું,
દીવાબત્તીને કોણ જ કરશે, લીંપ્યા વિના તો ઉચેરા વળશે.. (૨૩)
વાસણ ઉપર તો નહીં આવે તેજ, કોણ પાથરશે તમારી સેજ,
પ્રભાતે લુખો ખાખરો ખાશો દેવતા લેવા સાંજરે જાશો.. (૨૪)
મનની વાતો કોણને કહેવાશે, તે દિન નારીનો ઓરતો થાશે,
પરોણા આવીને પાછા જાશે, દેશ વિદેશે વાતો બહહુ થાશે.. (૨૫)
મહોટાના છોરુ નાનેથી વરીયા, માર કહ્યું તો માનો દેવરીયા,
ત્યારે સત્યભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ.. (૨૬)
ભાભીનો ભરોંસો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પોતાની થાશે,
પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે.. (૨૭)
ઉંચાં મન ભાભી કેરાં કેમ સહેશો, સુખ દુ:ખની વાત કોણ આગળ કહેશો,
માટે પરણોને પાતળીયા રાણી, હું તો નહિ આપું ન્હાવાને પાણી.. (૨૮)
વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાં જ થઇએ,
પરણ્યા વિના તો સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે.. (૨૯)
ગણેશ વધાવા કેને મોકલશો, તમેં જશોં તો શી રીતે ખલશો,
દેરાણી કેરો પાડ જાણીશું ! છોરુ થાશે તો વિવા માણીશું.. (૩૦)
માટે દેવરીયા દેરાણી લાવોં, અમ ઉપર નથી તમારો દાવો,
ત્યારે રાધિકા આઘેરાં આવી, બોલ્યાં વચન મોઢ઼ું મલકાવી.. (૩૧)
શી શી વાતો રે કરો છો સખી, નારી પરણવી રમત નથી,
કાયર પુરુષનું નથી એ કામ, વાપરવા જોઈએ ઝાઝેરા દામ.. (૩૨)
ઝાંઝર નૂપુર ને ઝીણી જવમાળા ! અણઘટ આટે રુપાળા,
પગપાને ઝાંઝી ઘુઘરીઓ જોઈએ, મહોટે સાંકલે ઘુઘરા જોઈએ.. (૩૩)
સોના ચુડલો ગુજરીના ઘાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ,
ઘુઘરી પોંચી ને વાંક સોનેરી, ચંદન ચુડીની શોભા ભલેરી.. (૩૪)
કલ્લાં સાંકલાં ઉપર સિંહમોરા, મરકત બહુમૂલા નંગ ભલેરા,
તુલશી પાટીયાં જડાવ જોઈએ, કાલી કંઠીથી મનડું મોહિએ.. (૩૫)
કાંઠલી સોહીએ ઘુઘરીયાળી, મનડું લોભાયે ઝુંમણું ભાળી,
નવસેરોં હાર મોતીની માળા, કાને ટીંટોડા સોનેરી ગાળા.. (૩૬)
મચકણિયાં જોઇએ મુલ્ય ઝાઝાંનાં, ઝીણાં મોતી પણ પાણી
તાજાંનાં, નીલવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી ભૂલની ભારી.. (૩૭)
ચીર ચુંદડી ઘરચોળાં સાડી, પીલી પટોલી માગશે દહાડી,
બાંટ ચુંદડી કસબી સોહીએ, દશરા દીવાલી પહેખા જોઈએ… (૩૮)
મોંઘા મૂલના કમખા કહેવાય, એવડ઼ું નેમથી પુરું કેમ થાય,
માટે પરણ્યાની પાડે છે નાય, નારીનુ પુરું શી રીતે થાય,
ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણી, દીયરના મનની વાતો મેં જાણી.. (૩૯)
તમારું વયણ માથે ધરીશું, બેઉનું પુરું અમે કરીશુ,
માટે પરણો ને અનોપમ નારી, તમારો ભાઈ દેવ મોરારી.. (૪૦)
બત્રીશ હજાર નારી છે જેહને, એકનો પાડ ચડશે તેહને,
માટે હૃદય થી ફીકર ટાળો, કાકાજી કેરુઁ ઘર અજવાળો.. (૪૧)
એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બોલ હૃદય માં વસિયા,
ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ, નિશ્ચે પરણશે તમારો ભાઈ.. (૪૨)
ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી,
નેમજી કેરો વિવાહ ત્યાં કીધો, શુભ લગ્નનો દિવસ લીધો.. (૪૩)
મંડપ મંડાવ્યા કૃષ્ણજીરાય, નેમને નિત્ય ફુલેકા થાય,
પીઠી ચોલે ને માનિની ગાય, ધવલ મંગલ અતિ વરતાય.. (૪૪)
તરીયાં તોરણ બાંધ્યાં છે બહાર, મલી ગાય છે સોહાંગણ નાર,
જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મોરારી.. (૪૫)
વહુવારુ વાતો કરે છ છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને,
છપ્પન કરોડ જાદવનો સાથ, ભેળા કૃષ્ણ ને બલભદ્ર ભ્રાત.. (૪૬)
ચડીયા ઘોડલે મ્યાના અસવાર, સુખપાલ કેરી લાઘે નહિ પાર,
ગાડાં વેલો ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધોરી.. (૪૭)
બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સોવન મુગટ હિરલે જડીયા,
કડાં પોંચીયોં બાજુ બંધ કશીયા, શાલોં દુશાલો ઓઢે છે રસીયા.. (૪૮)
છપ્પન કોટી તો બરોબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણુ,
જાનડાઓ શોભે બાલુડે વેષે, વિવેક મોતી પરોવે કેશે.. (૪૯)
સોલ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે,
લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી બાદળે ચમકે.. (૫૦)
ચંદ્રવદની મૃગા જો નેણી, સિંહલંકી જેહની નાગસી વેણી,
રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે.. (૫૧)
એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીતા ને થાય છે રાજી,
કોઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખોંપામી ભરથાર.. (૫૨)
કોઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી,
એમ અન્યોન્ય બાદ વદે છે, મહોડ઼ાં મલકાવી વાતો કરે છે.. (૫૩)
કોઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી,
કોઈ કહે અમારા બલદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારી.. (૫૪)
એવી બાતોના ગપોટા ચાલે, પોત પોતાના મગજમાં મહાલે,
બહોંતેર કલાને બુદ્ધિ વિશાલ, નેમજી નાહીને ઘરે શણગાર.. (૫૫)
પહેર્યા પીતામ્બર જરકી જામા, પાસે ઉભા છે નેમના મામા,
માથે મુગટ તે હીરલે જડિયો, બહુ મૂલો છે કસબીનોં ઘડીયો.. (૫૬)
ભારે કુંડલ બહુ મૂલાં મોતી, શહેરની નારી નેમને જોતી,
કંઠે નવસેરો મોતીનોં હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર.. (૫૭)
દશે આંગળીયે વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સોનેરી લીટી,
હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા.. (૫૮)
મોતીનો તોરો મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે,
રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ગાંજી.. (૫૯)
કુમકુમનુ ટીલું કીધુ છે ભાલે, ટપકું કસ્તુરી કેરુઁ છે ગાલે,
પાન સોપારી શ્રીફળ જોડો, ભરી પોસ ને ચડીઆ વરઘોડે.. (૬૦)
ચડી વરઘોડો ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે,
વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તોરણે જાય.. (૬૧)
ધુંસળ મુસળ ને રવાઈઓ લાવ્યા, પોંખવા કારણ સાસુજી આવ્યા,
દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી.. (૬૨)
એવામાં કીધો પશુએ પોકાર, સાંભલો અરજી નેમ દયાળ,
તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ.. (૬૩)
માટેં દયા મનમાં દાખોં, આજ અમોનેં જીવતાં રાખોં,
એવો પશુઓનો સુણી પોકાર, છોડ઼ાવ્યાં પશુઓ નેમ દયાલ.. (૬૪)
પાછા તો ફરિયા પરણ્યા જ નહીં, કુંવારી કન્યા રાજુલ રહી,
રાજુલ કહે ન સિદ્ધાં કાજ, દુશ્મન થયાં છે પશુઓ આજ.. (૬૫)
સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં ઓલંભો દે છે,
ચંદ્રમાને તેં લંછન લગાડ્યું, સીતાનું તો હરણ કરાવ્યું.. (૬૬)
મહારી વેળા તો ક્યાંથી જાગી, નજર આગળ જાને તું ભાગી,
કરે વિલાપ રાજુલ રાણી, કરમની ગતિ મેં તો ન જાણી.. (૬૭)
આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવે કુંવારી મેલી,
એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના.. (૬૮)
તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તો નારી ઠેકાણે નાવી,
તમો કુલ તો રાખો છો ધારો, આ ફેરે આવ્યો તમારો વારો.. (૬૯)
વરઘોડ઼ે ચડી મહોટો જશ લીધો, પાછા વળીને ફજેતોં કીધો,
આંખો અંજાવી પીઠી ચોલાવી, વરઘોડે ચઢ઼તાં શરમ ન આવી,
મહોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણાં ગવરાવી,
એવા ઠાઠથી સર્વેને લાવ્યા, સ્ત્રી પુરુષને ભલા ભમાવ્યા.. (૭૦)
ચાનક લાગે તો પાછા જ ફરજો, શુભ કારજ અમારૂું રે કરજો,
પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડયું તિહાં વરસી જ દાન.. (૭૧)
દાન દઈને વિચાર જ કીધો, શ્રાવણ સુદિ છઠનું મુહૂરત લીધો,
દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર.. (૭૨)
ગિરનારે જઈને કારજ કીધું, પંચાવન મેં દિન કેવલ લીધું,
પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં ચાંગલું પાણી.. (૭૩)
નેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે મોજ ત્યાં માગી,
આપો કેવલ તમારી કહાવું, શુકન જોવાને નહીં જાવું.. (૭૪)
દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પોતે કેવલ લીધું.
મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવસુંદરી જોવાને કાજ.. (૭૫)
સુદિની આઠમ અષાઢ ધારી, નેમ વરીયા શિવ વધુ નારી,
નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ.. (૭૬)
યથાર્થ કહૂં બુદ્ધિ પ્રમાણે, બેઉંના સુખ તે કેવલી જાણે.
ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે.. (૭૭)
સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તો શિવવધુ નિશ્ચય વરશે,
સંવત ઓગણીસ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ.. (૭૮)
બાર શુક્ર ને ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારું,
ગામ ગાંગડના રાજા રામસિંહ, કીધો શલોકો મનને ઉછરંગ.. (૭૯)
મહાજનના ભાવ થકી મેં કીધો, વાંચી શલોકો મોટો જશ લીધો,
દેશ ગુજરાત રેવાશી જાણો, વિશા શ્રીમાલી નાત પ્રમાણો.. (૮૦)
પ્રભુજીની કૃપાથી નવનિધિ થાય, બેઉ કર જોડી સુરશશી ગાય,
નમે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉનો અર્થ એક જ લઈએ.. (૮૧)
દેવ સૂરજને ચંદ્ર છે શશી, વિશેષે વાણી હૃદયમાં વસી,
બ્યાસી કડીથી પુરો મેં કીધોં, ગાઈ ગવડાવી સુયશ લીધો.. (૮૨)
सरस्वती माता तुम पाये लागुं, देव गुरु तणी आज्ञा मांगुं,
जिह्वाअग्रे तुं बेसजे आई, वाणी तणी तुं करजे सवाई.. (१)
आघो पाछो कोइ अक्षर थावे, माफ करजो जे दोष कांई नावे,
तगण सगण ने जगणना ठाठ, ते आदे दई गण छे आठ.. (२)
कीया सारा ने कीया निषेध, तेनो न जाणुं उंडारथ भेद,
कविजन आगल मारी शी मति, दोष टालजो माता सरस्वती.. (३)
नेमजी केरो कहीशुं सलोको, एक चित्तेथी सांभळजों लोको,
राणी शिवादेवी समुदर राजा, तस कुल आव्या करवा दिवाजा.. (४)
गर्भे कारतक वद बारशे रह्या, नव मास ने आठ दीन थया,
प्रभुजी जनम्यानी तारीख जाणुं श्रावण सुदी पांचम चित्रा वखाणुं.. (५)
जनम्या तणी तो नोबत वागी, मातापिताने कीधां वडभागी,
तरियां तोरण बांध्या छे बार, भरी मुक्ताफळ वधावे नार.. (६)
अनुक्रमे प्रभुजी मोटेरा थाय, क्रीडा करवाने नेमजी जाय,
सरखे सरखा छे संगाते छोरा, लटके बहुमूला कलगी तोरा.. (७)
रमत करता जाय छे तिहां, दीठी आयुधशाळा छे जिहां,
नेम पुछे छे सांभळो भ्रात, आ ते शुं छे ? कहो तमे वात.. (८)
त्यारे सरखा सहु त्यां वाण, सांभणो नेमजी चतुर सुजाण,
तमारो भाई कृष्णजी कहीए. तेने बांधवा आयुध जोईए.. (९)
शंख चक्र ने गदा ए नाम, बीजो बांधवा घाले नहीं हाम,
एहवो बीजो कोइ बलीयो जो थाय, आवा आयुध तेने बंधाय.. (१०)
नेम कहे छे घालुं हुं हाम, एमां भारे शुं महोटुं काम,
एवुं कहीने शंख ज लीधों, पोते वगाडी नादज कीधो.. (११)
ते टाणे थयो महोटो डमडोळ, सारना नीर चढ्या कल्लोल,
पर्वतनी टुंको पडवाने लागी, हाथी घोडा तो जाय छे भागी.. (१२)
झबकी नारीओ नव लागी वार, तुट्या नवसर मोतीना हार,
धरा ध्रुजी ने मेघ गडगडीओ, महोंटी ईमारतों तूटीने पडीयो.. (१३)
सहुनां कालजां फरवाने लाग्यां, स्त्री पुरुष जाय छे भाग्यां,
कृष्ण बलभद्र करे छे वात, भाई शो थयों आ ते उत्पात.. (१४)
शंख नाद तो बीजे नव थाय, एहवो बलियो ते कोण कहेवाय,
काढो खबर आ ते शुं थयुं, भांग्युं नगर के कोई उगरीयुं.. (१५)
ते टाणे कृष्ण पाम्या वधाई, ए तो तमारो नेमजी भाई,
कृष्ण पुछे छे नेमजी वात, भाई शो कीधो आ तें उत्पात.. (१६)
नेमजी कहे सांभलो हरी, में तो अमस्ती रमत करी,
अतुली बल दीहठुं नानुडे वेषे, कृष्णजी जाणे ए राजने लेशे.. (१७)
त्यारे विचार्युं देव मोरारि, एने परणावुं सुंदर नारी,
त्यारे बल एनुं ओछुं जो थाय, तो तो आपणे अहीं रहेवाय.. (१८)
एवो विचार मनमां आणी, तेड्या लक्ष्मीजी आदे पटराणी,
जलक्रीडा करवा तमे सहु जाओ, नेमने तमे विवाह मनावो.. (१९)
चाली पटराणी सरवे साजे, चालो देवरीया नावाने काजे,
जलक्रीडा करतां बोल्यां रुक्ष्मणी, देवरीया परणों छबीली राणी.. (२०)
वांढा नवि रहीये देवर नगीना, लावो देराणी रंगना भीना,
नारी विना तो दु:ख छे घाटुं कोण राखशे बार उधाडुं.. (२१)
परण्या विना तो केम ज चाले, करी लटकों घरमां कोण माले
चूलो फुंकशो पाणीने गळशो, वेलां मोडां तो भोजन करशो.. (२२)
बारणे जाशों अटकावी ताळुं, आवी असुरा करशो वाळुं,
दीवाबत्तीने कोण ज करशे, लींप्या विना तो उचेरा वळशे.. (२३)
वासण उपर तो नहीं आवे तेज, कोण पाथरशे तमारी सेज,
प्रभाते लुखो खाखरो खाशो देवता लेवा सांजरे जाशो.. (२४)
मननी वातो कोणने कहेवाशे, ते दिन नारीनो ओरतो थाशे,
परोणा आवीने पाछा जाशे, देश विदेशे वातो बहहु थाशे.. (२५)
महोटाना छोरु नानेथी वरीया, मार कह्युं तो मानो देवरीया,
त्यारे सत्यभामा बोल्यां त्यां वाण, सांभळो देवरीया चतुर सुजाण.. (२६)
भाभीनो भरोंसो नाशीने जाशे, परण्या विना कोण पोतानी थाशे,
पहेरी ओढीने आंगणे फरशे, झाझां वानां तो तमने करशे.. (२७)
उंचां मन भाभी केरां केम सहेशो, सुख दु:खनी वात कोण आगळ कहेशो,
माटे परणोने पातळीया राणी, हुं तो नहि आपुं न्हावाने पाणी.. (२८)
वांढा देवरने विश्वासे रहीए, सगां वहालामां हलकां ज थइए,
परण्या विना तो सुख केम थाशे, सगाने घेर गावा कोण जाशे.. (२९)
गणेश वधावा केने मोकलशो, तमें जशों तो शी रीते खलशो,
देराणी केरो पाड जाणीशुं ! छोरु थाशे तो विवा माणीशुं.. (३०)
माटे देवरीया देराणी लावों, अम उपर नथी तमारो दावो,
त्यारे राधिका आघेरां आवी, बोल्यां वचन मोढ़ुं मलकावी.. (३१)
शी शी वातो रे करो छो सखी, नारी परणवी रमत नथी,
कायर पुरुषनुं नथी ए काम, वापरवा जोईए झाझेरा दाम.. (३२)
झांझर नूपुर ने झीणी जवमाळा ! अणघट आटे रुपाळा,
पगपाने झांझी घुघरीओ जोईए, महोटे सांकले घुघरा जोईए.. (३३)
सोना चुडलो गुजरीना घाट, छल्ला अंगुठी अरिसा ठाठ,
घुघरी पोंची ने वांक सोनेरी, चंदन चुडीनी शोभा भलेरी.. (३४)
कल्लां सांकलां उपर सिंहमोरा, मरकत बहुमूला नंग भलेरा,
तुलशी पाटीयां जडाव जोईए, काली कंठीथी मनडुं मोहिए.. (३५)
कांठली सोहीए घुघरीयाळी, मनडुं लोभाये झुंमणुं भाळी,
नवसेरों हार मोतीनी माळा, काने टींटोडा सोनेरी गाळा.. (३६)
मचकणियां जोइए मुल्य झाझांनां, झीणां मोती पण पाणी
ताजांनां, नीलवट टीलडी शोभे बहु सारी, उपर दामणी भूलनी भारी.. (३७)
चीर चुंदडी घरचोळां साडी, पीली पटोली मागशे दहाडी,
बांट चुंदडी कसबी सोहीए, दशरा दीवाली पहेखा जोईए… (३८)
मोंघा मूलना कमखा कहेवाय, एवड़ुं नेमथी पुरुं केम थाय,
माटे परण्यानी पाडे छे नाय, नारीनु पुरुं शी रीते थाय,
त्यारे लक्ष्मीजी बोल्यां पटराणी, दीयरना मननी वातो में जाणी.. (३९)
तमारुं वयण माथे धरीशुं, बेउनुं पुरुं अमे करीशु,
माटे परणो ने अनोपम नारी, तमारो भाई देव मोरारी.. (४०)
बत्रीश हजार नारी छे जेहने, एकनो पाड चडशे तेहने,
माटे हृदय थी फीकर टाळो, काकाजी केरुँ घर अजवाळो.. (४१)
एवुं सांभळी नेम त्यां हसिया, भाभीना बोल हृदय मां वसिया,
त्यां तो कृष्णने दीधी वधाई, निश्चे परणशे तमारो भाई.. (४२)
उग्रसेन राजा घेर छे बेटी, नामे राजुल गुणनी पेटी,
नेमजी केरो विवाह त्यां कीधो, शुभ लग्ननो दिवस लीधो.. (४३)
मंडप मंडाव्या कृष्णजीराय, नेमने नित्य फुलेका थाय,
पीठी चोले ने मानिनी गाय, धवल मंगल अति वरताय.. (४४)
तरीयां तोरण बांध्यां छे बहार, मली गाय छे सोहांगण नार,
जान सजाई करे त्यां सारी, हलबल करे त्यां देव मोरारी.. (४५)
वहुवारु वातो करे छ छाने, नही रहीये घेर ने जाईशुं जाने,
छप्पन करोड जादवनो साथ, भेळा कृष्ण ने बलभद्र भ्रात.. (४६)
चडीया घोडले म्याना असवार, सुखपाल केरी लाघे नहि पार,
गाडां वेलो ने बगीओ बहु जोडी, म्याना गाडीए जोतर्या धोरी.. (४७)
बेठा जादव ते वेढ वांकडीया, सोवन मुगट हिरले जडीया,
कडां पोंचीयों बाजु बंध कशीया, शालों दुशालो ओढे छे रसीया.. (४८)
छप्पन कोटी तो बरोबरीया जाणुं, बीजा जानैया केटला वखाणु,
जानडाओ शोभे बालुडे वेषे, विवेक मोती परोवे केशे.. (४९)
सोल शणगार धरे छे अंगे, लटके अलबेली चाले उमंगे,
लीलावट टीली दामणी चळके, जेम विजळी बादळे चमके.. (५०)
चंद्रवदनी मृगा जो नेणी, सिंहलंकी जेहनी नागसी वेणी,
रथमां बेसी बाळक धवरावे, बीजी पोतानुं चीर समरावे.. (५१)
एम अनुक्रमे नारी छे झाझी, गाय गीता ने थाय छे राजी,
कोई कहे धन्य राजुल अवतार, नेम सरीखोंपामी भरथार.. (५२)
कोई कहे पुण्य नेमनुं भारी, ते थकी मळी छे राजुल नारी,
एम अन्योन्य बाद वदे छे, महोड़ां मलकावी वातो करे छे.. (५३)
कोई कहे अमे जईशुं वहेली, बळदने घी पाईशुं पहेली,
कोई कहे अमारा बलद छे भारी, पहोंची न शके देव मोरारी.. (५४)
एवी बातोना गपोटा चाले, पोत पोताना मगजमां महाले,
बहोंतेर कलाने बुद्धि विशाल, नेमजी नाहीने घरे शणगार.. (५५)
पहेर्या पीताम्बर जरकी जामा, पासे उभा छे नेमना मामा,
माथे मुगट ते हीरले जडियो, बहु मूलो छे कसबीनों घडीयो.. (५६)
भारे कुंडल बहु मूलां मोती, शहेरनी नारी नेमने जोती,
कंठे नवसेरो मोतीनों हार, बांध्या बाजुबंध नव लागी वार.. (५७)
दशे आंगळीये वेढ ने वींटी, झीणी दिसे छे सोनेरी लीटी,
हीरा बहु जडीया पाणीना ताजा, कडां सांकळां पहेरे वरराजा.. (५८)
मोतीनो तोरो मुगटमां झळके, बहु तेजथी कलगी चळके,
राधाए आवीने आंखडी आंजी, बहु डाही छे नव जाय गांजी.. (५९)
कुमकुमनु टीलुं कीधु छे भाले, टपकुं कस्तुरी केरुँ छे गाले,
पान सोपारी श्रीफळ जोडो, भरी पोस ने चडीआ वरघोडे.. (६०)
चडी वरघोडो चउटामां आवे, नगरनी नारी मोतीए वधावे,
वाजां वागे ने नाटारंभ थाय, नेम विवेकी तोरणे जाय.. (६१)
धुंसळ मुसळ ने रवाईओ लाव्या, पोंखवा कारण सासुजी आव्या,
देव विमाने जुए छे चडी, नेम नहि परणे जाशे आ घडी.. (६२)
एवामां कीधो पशुए पोकार, सांभलो अरजी नेम दयाळ,
तमे परणशो चतुर सुजाण, परभाते जाशे पशुओना प्राण.. (६३)
माटें दया मनमां दाखों, आज अमोनें जीवतां राखों,
एवो पशुओनो सुणी पोकार, छोड़ाव्यां पशुओ नेम दयाल.. (६४)
पाछा तो फरिया परण्या ज नहीं, कुंवारी कन्या राजुल रही,
राजुल कहे न सिद्धां काज, दुश्मन थयां छे पशुओ आज.. (६५)
सांभळो सर्वे राजुल कहे छे, हरणीने तिहां ओलंभो दे छे,
चंद्रमाने तें लंछन लगाड्युं, सीतानुं तो हरण कराव्युं.. (६६)
महारी वेळा तो क्यांथी जागी, नजर आगळ जाने तुं भागी,
करे विलाप राजुल राणी, करमनी गति में तो न जाणी.. (६७)
आठ भवनी प्रीतिने ठेली, नवमे भवे कुंवारी मेली,
एवुं नव करीए नेम नगीना, जाणुं छुं मन रंगना भीना.. (६८)
तमारा भाईए रणमां रझळावी, ते तो नारी ठेकाणे नावी,
तमो कुल तो राखो छो धारो, आ फेरे आव्यो तमारो वारो.. (६९)
वरघोड़े चडी महोटो जश लीधो, पाछा वळीने फजेतों कीधो,
आंखो अंजावी पीठी चोलावी, वरघोडे चढ़तां शरम न आवी,
महोटे उपाडे जान बनावी, भाभीओ पासे गाणां गवरावी,
एवा ठाठथी सर्वेने लाव्या, स्त्री पुरुषने भला भमाव्या.. (७०)
चानक लागे तो पाछा ज फरजो, शुभ कारज अमारूुं रे करजो,
पाछा न वळीआ एक ज ध्यान, देवा मांडयुं तिहां वरसी ज दान.. (७१)
दान दईने विचार ज कीधो, श्रावण सुदि छठनुं मुहूरत लीधो,
दीक्षा लीधी त्यां न लागी वार, साथे मुनिवर एक हजार.. (७२)
गिरनारे जईने कारज कीधुं, पंचावन में दिन केवल लीधुं,
पाम्या वधाई राजुल राणी, पीवा न रह्यां चांगलुं पाणी.. (७३)
नेमने जई चरणे लागी, पीयुजी पासे मोज त्यां मागी,
आपो केवल तमारी कहावुं, शुकन जोवाने नहीं जावुं.. (७४)
दीक्षा लईने कारज कीधुं, झटपट पोते केवल लीधुं.
मळ्युं अखंड ए आतमराज, गया शिवसुंदरी जोवाने काज.. (७५)
सुदिनी आठम अषाढ धारी, नेम वरीया शिव वधु नारी,
नेम राजुलनी अखंड गति, वर्णन केम थाये मारी ज मति.. (७६)
यथार्थ कहूं बुद्धि प्रमाणे, बेउंना सुख ते केवली जाणे.
गाशे भणशे ने जे कोई सांभळशे, तेना मनोरथ पुरा ए करशे.. (७७)
सिद्धनुं ध्यान हृदये जे धरशे, ते तो शिववधु निश्चय वरशे,
संवत ओगणीस श्रावण मास, वदनी पांचमनो दिवस खास.. (७८)
बार शुक्र ने चोघडीयुं सारूं, प्रसन्न थयुं मनडुं मारुं,
गाम गांगडना राजा रामसिंह, कीधो शलोको मनने उछरंग.. (७९)
महाजनना भाव थकी में कीधो, वांची शलोको मोटो जश लीधो,
देश गुजरात रेवाशी जाणो, विशा श्रीमाली नात प्रमाणो.. (८०)
प्रभुजीनी कृपाथी नवनिधि थाय, बेउ कर जोडी सुरशशी गाय,
नमे देवचंद पण सुरशशी कहीये, बेउनो अर्थ एक ज लईए.. (८१)
देव सूरजने चंद्र छे शशी, विशेषे वाणी हृदयमां वसी,
ब्यासी कडीथी पुरो में कीधों, गाई गवडावी सुयश लीधो.. (८२)