શ્રી શેરીસા જૈન તીર્થ | Shree Sherisa Jain Tirth

બોલો શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન ની જય

વિક્રમની 13મી સદીમાં આચાર્ય દેવેન્દ્રસૂરિ ધ્યાને પ્રાપ્ત થયેલ , ઉત્તમ કોટીની શીલામાંથી દૈવી સંકેતે સોપારક નગરના અંધ શિલ્પીએ અઠ્ઠમ તપ પૂર્વક એક જ રાત્રીમાં આ મનોહર બિંબનું નિર્માણ કર્યું. તે જ રાત્રે દેવેન્દ્રસૂરિ મંત્ર દ્વારા કાંતિપુરીથી ત્રણ બિંબો લાવ્યા. અને ગુપ્ત ભોંયરામાંથી 24 જિનબિંબ મળતાં ભવ્ય તીર્થ સોનાપુર નગરીની શોભા રૂપ બન્યું.

મૂળનાયક તરીકે આ 165 સે.મી.ના સંકટચૂરક , આશાપૂરક , વિઘ્નવિદારક શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન કર્યા. વસ્તુપાળે 13મી સદીમાં નેમનાથ ભગવાન અને અંબિકા દેવીની તથા સંવત 1420માં નરોડાવાળા પદ્માવતી માતાની અહીં સ્થાપના થયેલ.

સંવત 1721માં નગરી તીર્થનો નાશ થયો. સંવત 1969માં શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજય નેમિસૂરિ મહારાજ સાહેબ સંકેતે અહીં પધાર્યા. બધી પ્રતિમાઓ મળતાં તીર્થ નિર્માણ કર્યું. જેનો લાભ સારાભાઈ ડાહ્યાભાઈએ લીધો. આણંદજી કલ્યાણજી પેઢીએ સંવત 2002માં પૂજયશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. જે સમયે અમીના પ્રવાહથી ગભારો ભરાયેલ. ભોંયરામાં પ્રાચીન લોઢણ પાર્શ્વનાથ બિરાજમાન છે. આ તીર્થ અમદાવાદથી 36 કિ.મી.ના અંતરે છે. અહીંયા ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે.