અયોધ્યાની અનોખી કથા
અયોધ્યા લાખો જૈનો માટે પરમ વંદનીય છે. કારણ કે આ મહાન નગરી શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, અને શ્રી અનંતનાથ સ્વામી એમ પાંચ તીર્થંકરની જન્મભુમી છે.
જે ભુમીમાં એક કલ્યાણક પણ થયું હોય તો પણ તે મહાન પવિત્ર તીર્થ ગણાય છે,તો અયોધ્યામાં તો પાંચ તીર્થંકરના કુલ 19 કલ્યાણક થયેલ છે! માટે જૈનો માટે પણ અયોધ્યા મહાન તીર્થ છે. અયોધ્યા નગરી કેટલી પ્રાચીન છે? શું સંસ્કૃતિની શરુઆત અયોધ્યાથી થઈ હતી? ગંગા નદીનું નામ જાહ્નવી,અને ભાગીરથી કેમ પડ્યું? આવા અનેક પ્રશ્નોના જવાબો આપણે વૈદિક અને જૈન ધર્મના ગ્રંથોના આધારે જાણીએ. શ્રી નાભિ કુલકરના પત્ની મરુદેવીના પુત્ર એટલે ઋષભદેવ ભગવાન! તેમના પુત્ર ભરત ચક્રવર્તીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડેલ છે.
આ વાત વૈદિક ધર્મના ભાગવત પુરાણ,ઋગ્વેદ, યજુર્વેદ, માર્કન્ડેય પુરાણ,વાયુ મહાપુરાણ, તથા જૈન ધર્મના અનેક ગ્રંથોમાં લખેલી છે. રાજા ઋષભ અયોધ્યાનગરીના અને જગતના પ્રથમ રાજા હતા.
યુગલિક કાળ પુર્ણ થવાથી કલ્પવૃક્ષ મનવાંછિત ફળ આપતા બંધ થયા,એટલે રાજા ઋષભે લોકોને અસી,મસી,અને કૃષિ શીખવાડી. સ્ત્રીઓની 64,અને પુરુષોની 72 કલા,તથા શિલ્પ વિગેરેની તમામ કલા આ જગતમાં સર્વ પ્રથમ રાજા ઋષભે અયોધ્યામાંથી શીખવાડેલી.આમ સંસ્કૃતિનું પારણું એટલે અયોધ્યા! રાજા ઋષભ પછી તેમના પુત્ર ભરત ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવેલા.
તેમના પરથી આ દેશ ભારત કહેવાયો. તેમના પછી તેમના પુત્ર આદિત્ય યશ રાજા અયોધ્યાની ગાદીએ આવેલા.આદિત્ય એટલે સુર્ય.એટલે તેમનો વંશ સુર્યવંશી ગણાયો! પછી અસંખ્ય રાજાઓ થયા.પછી જિતશત્રુ રાજા થયા.
તેમણે તેમના પુત્ર અજીતને ગાદીએ બેસાડીને જૈન દીક્ષા લીધી. અજીત રાજા પણ ઘણો કાળ રાજ કરીને દીક્ષા લઈને શ્રી અજીતનાથ નામે બીજા તીર્થંકર થયા. તેમના પછી તેમના પિત્રાઈ ભાઇ સગર ચક્રવર્તી અયોધ્યાની ગાદીએ આવ્યા.
તેમને જહનુ કુમાર વિગેરે 60,000 પુત્રો હતા. એક વખત તે બધા પુત્રો શ્રી ઋષભદેવની નિર્વાણભુમી અષ્ટાપદ તીર્થે કે જે અયોધ્યાથી ઈશાન દિશામાં 12 યોજના દુર હતો ત્યાં ગયા. તેમણે ભરત ચક્રવર્તી દ્વારા નિર્મિત રત્નમય સિંહ નિષધા પ્રાસાદના દર્શન કર્યા. અષ્ટાપદતીર્થની સુરક્ષા માટે જહનુ કુમાર વિગેરે 60 હજાર પુત્રોએ ગંગા નદીના પ્રવાહને ખાઈ ખોદીને અષ્ટાપદ પાસે લાવ્યો.એટલે ગંગા નદીનું એક નામ જાહ્નવી કહેવાયું.
પણ તેના કારણે નાગ નિકાયના દેવો ત્રાસ પામ્યા.એટલે જ્વલન પ્રભ નામના નાગે 60,000 પુત્રોને બાળી નાખ્યા.ફકત ભગીરથ અને ભીમ એમ બે ભાઈ બચી ગયા. ગંગાનું પાણી અષ્ટાપદ પાસે ભરાઈ જવાથી અનેક જનપદો (ચોક્કસ ક્ષેત્રો) માં વિનાશ વેરાણો. સગર ચક્રવર્તીએ તે જનપદોને બચાવવા પોતાના પુત્ર ભગીરથને દંડરત્ન આપીને ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી લઈ જવાની આજ્ઞા આપી.
ભગીરથે અતિશય પુરુષાર્થ કર્યો એટલે આજે પણ અતિશય પુરુષાર્થ માટે ભગીરથ પુરુષાર્થ શબ્દ વપરાય છે. ભગીરથ રાજાએ ગંગાના પ્રવાહને સમુદ્ર સુધી પહોંચાડી દીધો.એટલે ગંગા નદીનું નામ ભાગીરથી પડ્યું. આધાર: વિ.સં.732 માં શ્રી સંઘદાસ ગણિ વિરચિત વાસુદેવ- હીંડી ગ્રંથ.
આવી તો સેંકડો ઘટનાઓ અયોધ્યા નગરી સંબંધિત છે. સ્વાધ્યાય સમુચ્ચય ગ્રંથમાં અયોધ્યાના ઇક્ષ્વાકુ ભુમી,કોશલા, ઉત્તર કોશલા, વિનિતા, અબધ્યા, રામપુરી, સાકેત, જેવા નામો મળે છે.
આજે પણ અયોધ્યાના કટરા મહોલ્લા સ્થિત જીનાલયમાં શ્રી અજીતનાથ ભગવાનના પ્રતિમાજી બિરાજમાન છે. જેમના નામથી પાલિતાણા નામ પડ્યું તેવા શ્રી પાદલિપ્ત સુરીજીનો જન્મ અયોધ્યામાં થયેલ.
આધાર: શ્રી વિમલચંદજી વેદમુથ્થા સંપાદિત પુસ્તક: णमो तिथ्थस्स આવી છે અયોધ્યા નગરીની અનોખી કથા.
